4/01/2012

જ્વેલર્સના માથે ગોલ્ડ કંટ્રોલ એક્ટ? સેન્ટ્રલ એક્સાઈઝનું રજિસ્ટ્રેશન કોણે કરાવવું જોઈએ?-એક્સાઇઝ - ધનસુખ શાહ

વર્ષ ૧૯૯૦માં ભારત સરકારે રદ કરેલો ગોલ્ડ કંટ્રોલ એક્ટ ઈ. સ. ૨૦૧૨માં તેના નવા નામકરણ સાથે સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ ૧૯૪૪ હેઠળ બજેટ દ્વારા અમલમાં આવ્યો છે. બ્રાન્ડેડ/અનબ્રાન્ડેડ ગોલ્ડ જ્વેલરી વચ્ચેનો ભેદ કાઢીને બધા જ સોનાના દાગીના પર ૧.૩૦ ટકા સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી નાખવામાં આવી છે. આ નવેસરથી નાખેલી ડ્યૂટીનો અમલ ૧૭ માર્ચ ૨૦૧૨થી શરૂ થયો છે.

સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી એટલે કે ઉત્પાદન પર લેવાતી જકાત. એટલે ‘મેન્યુફેક્ચરર ઓફ ગોલ્ડ જ્વેલરી એન્ડ ઓરનામેન્ટ’ તરીકે પ્રત્યેક જ્વેલર્સ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ભરવા પાત્ર છે. ગોલ્ડ કંટ્રોલ એક્ટ ૧૯૬૮ અમલમાં હતો ત્યારે ડીલરે પોતાના કબજા હેઠળના સોનાના દાગીનાનો વ્યવસ્થિત હિસાબ રાખવો પડતો. બિનહિસાબી સોનાના દાગીના દુકાનમાં મળી આવે તો તે સોનાના દાગીના જપ્ત થતા હતા. જપ્ત થયેલા સોનાના દાગીના ફાઈન અને પેનલ્ટી ભરીને છોડાવી લાવવા પડતા હતા. દેશભરમાં લગભગ પાંચેક લાખ જેટલા જ્વેલર્સ સેન્ટ્રલ એક્સાઈઝની જાળમાં આવી ચૂક્યા છે ત્યારે કાયદાનુસાર જ્વેલર્સ તરીકેનો ધંધો કેવી રીતે કરવો એ જાણીએ. કાયદા પ્રમાણે ધંધો કરવો મુશ્કેલ તો રહેશે જ. સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ ૧૯૪૪ હેઠળ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એક્ઝમ્પશન સ્કીમ હેઠળ પ્રત્યેક સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને રૂ. દોઢ કરોડની કિંમતનો માલ એક્સાઈઝ ડ્યૂટી ભર્યા વિના વેચવાનો હક નોટિફિકેશન નંબર ૮/૨૦૦૩ (સેન્ટ્રલ એક્સાઈઝ) હેઠળ છે, પરંતુ આ સ્કીમનો ફાયદો લેવા માટે નોટિફિકેશનમાં નિર્દેશ કરેલી શરતોનું પાલન કરેલું હોવું જોઈએ. ૨૦૧૧-૧૨ના ફાઈનાન્શિયલ વર્ષમાં સોનાના દાગીનાનું એકંદર વેચાણ રૂ. ૪ કરોડથી વધુ થવા ન પામ્યું હોય તો જ તે જ્વેલર્સ ૨૦૧૨-૧૩ના વર્ષમાં રૂ. દોઢ કરોડની કિંમતના સોનાના દાગીના ડ્યૂટી ભર્યા વિના વેચી શકશે. આ સિવાય પણ અન્ય નિર્દિશક શરતોનું પાલન થતું હોય તો જ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એક્ઝમ્પશન સ્કીમનો ફાયદો લઈ શકાશે. એનો ફાયદો લેનારે નિશ્ચિત કરેલા ફોર્મમાં અમુક વિગતોનું ડિક્લેરેશન નોંધાવવું પડે, ત્યાર બાદ જ એકઝમ્પશન સ્કીમનો ફાયદો લઈ શકાશે.

ડ્યૂટી ભરવાની જવાબદારીઃ સોનાના દાગીના એ ફક્ત એક્સાઈઝેબલ નહીં, પરંતુ કરપાત્ર છે. એક્સાઈઝ એક્ટ મુજબ સોનાના દાગીનાનું જે ઉત્પાદન કરે તે સેન્ટ્રલ એક્સાઈઝ ડયૂટી ભરવાને જવાબદાર છે. ડ્યૂટી દાગીનાની વેચાણ કિંમતના આધારે ભરવાની છે. સોનાના દાગીનાનું ઉત્પાદન જ્વેલર્સ પોતે નથી કરતા હોતા પરંતુ કારીગરો - સોનીઓ પાસે જોબવર્કના ધોરણે કરાવી લેતા હોય છે. કાનૂની દષ્ટિએ એક્સાઈઝ ડ્યૂટી ભરવાની જવાબદારી કારીગરને માથે આવે છે, પરંતુ સરકારે કારીગરોને સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ભરવામાંથી શરતી મુક્તિ આપી છે. ડ્યૂટી ભરવાની જવાબદારી કારીગરને સોનાના દાગીના ઘડવાનું કામ જોબવર્કના ધોરણે એટલે કે સોનું આપીને કરાવી લેનારા જ્વેલર્સને માથે નાખવામાં આવી છે. આ બાબતમાં કાયદામાં જરૂરી સુધારો ગયા વર્ષે જ કર્યો હતો. એટલે ડ્યૂટી ભરવાની જવાબદારી ગોલ્ડ જ્વેલર્સની છે.

સેન્ટ્રલ એક્સાઈઝ રજિસ્ટ્રેશનઃ સોનાના દાગીનાનું ઉત્પાદન કરનારા સોનીઓએ એટલે કે કારીગરોએ સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન (લાઇસન્સ) લેવાની જરૂર નથી. જ્વેલર્સ દાગીના ઘડવાનો ઓર્ડર ‘જોબવર્ક’ના ધોરણે આપે એ વ્યાપારીએ સેન્ટ્રલ એક્સાઈઝ રજિસ્ટ્રેશન લેવું ફરજિયાત છે. સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ભરવા માટે પ્રથમ સેન્ટ્રલ એક્સાઈઝ રજિસ્ટ્રેશન લેવું આવશ્યક છે. પ્રત્યેક જ્વેલર્સે રજિસ્ટ્રેશનની અરજી ઓન-લાઈન કરવાની રહે છે. આ માટેની વેબસાઈટનું સરનામુંઃ ઱્ીણૂફૂસ્ર્.રંરુ.જ્ઞ્ઁ છે. એકવાર ઓન-લાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી સંબંધિત અધિકારીને તેની નકલ આપવી હિતાવહ છે અને ત્યાર બાદ કેટલાક ડોક્યુમેન્ટ સાદર કરવા જરૂરી છે. એક વખત આપેલું રજિસ્ટ્રેશન કાયમ માટે કાયદેસર ગણાશે. રજિસ્ટ્રેશનનું રિન્યુઅલ કરાવવાની જરૂર નહીં પડે. રજિસ્ટ્રેશન મેળવવા માટે કોઈ પણ ફી ચૂકવવાતી નથી. સર્ટિફિકેટ મળ્યા પછી જ્વેલર્સે અહીં દર્શાવેલ વિગતો વિભાગને આપવાની રહેશે. (૧) વપરાશમાં લેવાના ઈન્વોઈસ-બુકના સિરિયલ નંબર., (૨) અધિકૃત વ્યક્તિનું નામ, હોદ્દો અને સરનામું (ટેલિફોન નંબર), (૩) દુકાનમાં રાખવામાં આવતા સર્વ પ્રકારના હિસાબી દસ્તાવેજોની યાદી

જ્વેલર્સ એક કરતાં વધુ ઈન્વોઈસ બુકઃ જ્વેલર્સ એક કરતાં વધુ ઈન્વોઈસ-બુક રાખી શકે નહીં. ઈન્વોઈસમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીની વિગત અલગ રીતે દર્શાવતી કોલમ રાખવી પડશે. અર્થાત ફક્ત કમર્શિયલ ઈન્વોઈસ નહીં ચાલે, પરંતુ એક્સાઈઝ ઈન્વોઈસ તેના ઠરાવિક ફોર્મમાં નવેસરથી છપાવવું પડશે. જો કોઈ જ્વેલર્સ સ્થાનિક વેચાણ સિવાય નિકાસ કરે તો તે એ સંબંધી સ્થાનિક વેચાણ અને નિકાસનું વેચાણ એમ અલગ અલગ ઈન્વોઈસ બુક રાખી શકશે અને તે અંગેની જાણ ડિપાર્ટમેન્ટને કરવાની રહેશે.

ટ્રેડિંગ માટે અલગ ઈન્વોઈસ-બુક રાખવીઃ સોનાના દાગીનાની ટ્રેડિંગ એક્ટિવિટી ઉપર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી લાગતી નથી. આથી સોનાના દાગીનાનું માત્ર ટ્રેડિંગ કરનાર જ્વેલર્સ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીના દાયરામાં આવતા નથી. પરિણામે એક્સાઈઝ ડ્યૂટીની ચૂકવણી કરવાની જવાબદારી પણ ટ્રેડરના માથે આવતી નથી. એક જ્વેલર્સ બે કેપેસિટીમાં પોતાનો વ્યાપાર કરી શકે છે. એક મેન્યુફેક્ચરર તરીકે અને બીજો ટ્રેડર તરીકે એક જ દુકાનમાંથી વ્યવહાર કરી શકાય છે. પરંતુ આવા બે પ્રકારના વ્યવહારની જાણ અગાઉથી સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને કરવાની રહે છે.

ઈન્વોઈસમાં વિગતોઃ જ્વેલર્સનો એક્સાઈઝ રજિસ્ટ્રેશન નંબર, સંબંધિત એક્સાઈઝ-ડિવિઝનનું સરનામું, દાગીના ખરીદ અથવા ગ્રાહક કે કન્સાઈનીની સંપૂર્ણ વિગત, દાગીનાનું વર્ણન. દાગીનાનું સેન્ટ્રલ એક્સાઈઝ ટેરિફ એક્ટ હેઠળ વર્ગીકરણ., દાગીના વેચ્યાની તારીખ અને સમય, ડ્યૂટીનો દર., દાગીનાની ગુણવત્તા, મૂલ્ય અને વજન, ભરવાપાત્ર થતી ડ્યૂટીની રકમ. કાયદાનુસાર એક્સાઈઝ ઈન્વોઈસની ત્રણ નકલ બનાવવી જરૂરી છે. ઈન્વોઈસ પર મૂળ નકલ, બીજી નકલ અને ત્રીજી નકલ અલગ રીતે લખવું જરૂરી છે. જ્વેલર્સની બાબતમાં સરકાર ત્રણ કોપીની બદલે બે જ કોપી ઈન્વોઈસની કાઢવાની મંજૂરી આપી શકે છે. એક્સાઈઝ ડિપાર્ટમેન્ટની મંજૂરી વિના એક કરતા વધુ ઈન્વોઈસ-બુક વપરાશમાં લઈ શકાય નહીં. સ્થાનિક વેચાણ, નિકાસ અને ટ્રેડિંગ માટેની ઈન્વોઈસ-બુકના સિરિયલ નંબર અલગ હોવા જરૂરી છે.

કમ્પ્યુટરાઈઝડ ઈન્વોઈસ ઃ જ્વેલર્સ ઈચ્છે તો કમ્પ્યુટરાઈઝડ ઈન્વોઈસ બનાવી શકે છે. ઈન્વોઈસનો સિરિયલ નંબર કમ્પ્યુટર દ્વારા પ્રિન્ટ થતો હોય તો એક નંબર એક જ ઈન્વોઈસને આપવામાં આવે એ જરૂરી છે. જ્વેલર્સ બાકીની કોપી બાઈન્ડિંગ કરાવીને પોતાની પાસે રાખી શકે છે. આ બાબતમાં ‘વેટ’ની બાબતમાં નિશ્ચિત થયેલી માર્ગદર્શિકા પણ અપનાવી શકાય છે.

જ્વેલર્સે કયા દસ્તાવેજ રાખવા પડે? દરેક જ્વેલર્સ-ઉત્પાદકે સેન્ટ્રલ એક્સાઈઝ રૂલ્સ ૧૦ મુજબ દાગીનાનું ઉત્પાદન અને વેચાણ અંગેની વિગતો દર્શાવતું ‘ડેઈલી સ્ટોક એકાઉન્ટ’ રાખવું આવશ્યક છે. આ સિવાય ‘જોબવર્ક’ના ધોરણે દાગીના બનાવવાનું કામ સોંપતા હોઈએ ત્યારે અગાઉના ગોલ્ડ કંટ્રોલ એક્ટમાં નિશ્ચિત થયેલ જેવા રજિસ્ટર અને ચલણ બુક રાખવા આવશ્યક છે. જોબવર્ક માટેનું ચલણ, જોબવર્ક માટે સોનું મોકલતી વખતે સોનાની એન્ટ્રી લખવાનું રજિસ્ટર તેમા જ જોબવર્કરે પણ અલગથી પોતાની સાથે રજિસ્ટર રાખવું પડશે. ડ્યૂટીની ચૂકવણી દાગીનાની એકંદર વેલ્યુના આધારે કરવાની હોય છે. વેચાણ-કિંમત એટલે કે ઈન્વોઈસ-વેલ્યુના ૩૦ ટકાના આધારે ડ્યૂટીની ગણતરી કરવાની રહે છે. જ્વેલર્સે ૧ ટકાના દરે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ભરવાનો વિકલ્પ અપનાવ્યો હવાથી આયાતી સોના પર ભરવામાં આવેલી ડ્યૂટીની ક્રેડિટ લઈ શકાશે નહીં.

સરકાર અને જ્વેલર્સ વચ્ચે વાટાઘાટ ચાલુ છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમના વડાએ વ્યાપારીઓને વિધિ-વિધાનની બાબતમાં વધુ સવલતો આપવાનું વચન આપ્યું છે. સવલતો માટે જ્વેલર્સ વર્ગે રાહ જોવી પડશે.

(લેખક સેન્ટ્રલ એક્સાઈઝના વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે)
SOURCE:http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=43502

No comments: