નવી દિલ્હીઃ બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવાના સરકારના પ્રસ્તાવ સામે ઝવેરાતના વેપારીઓના ભારે વિરોધ સામે નમતું જોખીને નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ અનબ્રાન્ડેડ સોનાના દાગીના પરનો એક્સાઇઝ ડ્યૂટીમાંનો વધારો પાછો ખેંચી લેવાનો સંસદમાં નિર્દેશ આપ્યો હતો, પરંતુ સોના અને પ્લેટીનમ પરની આયાત ડ્યૂટીમાં કરાયેલો વધારો પાછો ખેંચવાનું સાફ નકારી કાઢ્યું હતું.
આ ઉપરાંત રૂ. ૨ લાખથી વધુ કિંમતના દાગીનાની ખરીદી માટે પાન કાર્ડનો ઉપયોગ ફરજિયાત કરવાના પ્રસ્તાવની પણ પુનર્વિચારણા કરવાનું નાણાં પ્રધાને વચન આપ્યું હતું.
‘‘નાના ઝવેરીઓની મુશ્કેલીઓ હું સમજું છું અને એટલા માટે એ અંગે વિચારણા કરી રહ્યો છું. આજથી અને ખરડો પસાર થાય એ વચ્ચેના સમયગાળા દરમિયાન આ અંગે હું કોઇ સ્વીકાર્ય ગોઠવણ રજૂ કરીશ, ’’એમ મુખરજીએ વર્ષ ૨૦૧૨-૧૩ માટેના બજેટ અંગેની ચર્ચાનો ઉત્તર આપતાં લોકસભામાં જણાવ્યું હતું.
સોનાના બ્રાન્ડેડ દાગીનાઓ ઉપર લદાયેલી એક ટકાની એક્સાઈઝ ડ્યૂટીના પરીઘમાં અનબ્રાન્ડેડ દાગીનાને પણ આવરી લેવાના નિર્ણય સામે દેશભરમાં સોનાચાંદીના વેપારીઓના ભારે વિરોધ-હડતાળનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા હતા.
આ ડ્યૂટીની અસર લાભદાયી નીવડશે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરો એવી માગણી ભાજપના નેતા યશવંત સિંહાએ કરતાં મુખરજીએ જણાવ્યું હતું કે હું એ માગણીની ચકાસણી કરીશ પરંતુ કાનૂની ગૂંચવણને ગણતરીમાં લીધા વિના કંઇ કહી શકું નહીં.
સોનાની આયાત ડ્યૂટીમાં બેથી ચાર ટકાનો વધારો કરવાના સરકારના પગલાનો પણ વિરોધ થયો છે એમાં ઘટાડાની માગણી અંગે તેમણે જણાવ્યું હતું કે સોનું આપણી સંસ્કૃતિનો એક ભાગ છે એ હું સુપેરે જાણું છું પરંતુ તેમણે સાથે એમ જણાવ્યું હતું કે ‘ડેડ ઇન્વસ્ટમેન્ટ’ની આયાતના પરિણામે કિંમતી વિદેશી હૂંડિયામણનો વ્યય થાય છે. ગયા નાણાંકીય વર્ષમાં ભારતે ૪૬ અબજ ડોલરના સોનાની આયાત કરી હતી, જે ક્રૂડ ઓઇલથી બીજે ક્રમાંકે છે.
તેમણે કાચા રેશમની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગણી અંગે પણ વિચારણા કરવાનું વચન આપ્યું હતું. (એજન્સી)
SOURCE: http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=43872
No comments:
Post a Comment