4/01/2012

જકાતવૃદ્ધિ અને એકસાઈઝના વિરોધમાં જ્વેલરોના વિરોધપ્રદર્શનો જારી

મુંબઈઃ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના અંદાજપત્રીય પ્રસ્તાવોમાં નાણા પ્રધાને સોના પરની એક્સાઈઝ ડ્યૂટીમાં કરેલો વધારો તેમ જ અનબ્રાન્ડેડ જ્વેલરી પર એક્સાઈઝ લાદવાના મૂકેલા પ્રસ્તાવના વિરોધમાં આજે બજાર બંધ રહી હતી. જોકે, વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાચાંદીના ભાવ નરમાઈતરફી રહ્યા હોવાના અહેવાલ હતા.

નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ અંદાજપત્રમાં અનબ્રાન્ડેડ જ્વેલરી પર એક ટકો એક્સાઈઝ અને સ્ટાન્ડર્ડ ગોલ્ડ બાર્સ, ગોલ્ડ કોઈન અને પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યૂટી બમણી કરીને ચાર ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારના આ પ્રસ્તાવથી દેશમાં રિટેલ સ્તરે સોનાના ભાવમાં છ ટકાનો વધારો થાય તેવી શકયતાને ધ્યાનમાં લેતાં વેપારીઓએ દેશભરમાં બંધનું હથિયાર ઉગામ્યું છે. બોમ્બે બુલિયન એસોસિયેશનના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે અમે સરકારના પ્રતિસાદ માટે બે દિવસ સુધી રાહ જોયા બાદ આગામી નિર્ણય લેશું.

અત્રે નોંધનીય બાબત એ છે કે પ્રવર્તમાન લગ્નગાળો પૂરજોશમાં છે અને ૧૨ દિવસના બંધસંધના માહોલમાં દેશભરમાં અંદાજે રૂ. ૧૦,૦૦૦ કરોડના વેપારને ફટકો પડ્યો છે. ઉપરાંત નાણાપ્રધાને એવું વિધાન દોહરાવ્યું હતું કે તેઓ કદાચ એક્સાઇઝ વિશે ફેરવિચારણા કરશે. પરંતુ આયાત જકાતમાં ઘટાડો કરવાની માગણી તેમણે સ્પષ્ટપણે નકારી કાઢી હતી. સ્થાનિક સ્તરે મંગળવારે બોરીવલી પશ્ચિમ ખાતે સભા યોજ્યા બાદ ઝવેરીઓએ બુધવારે એક્સાઇઝ અને ઇન્સ્પેકટર રાજના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે પ્રચંડ રેલી કાઢી હતી.આજે મલાડ ખાતે આ પ્રકારના મોરચાનું આયોજન છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ખાસ કરીને ક્રૂડતેલના ભાવ ઘટી આવતાં ફુગાવામાં ઘટાડો થવાના આશાવાદે સોનામાં ફુગાવાલક્ષી માગનો અભાવ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાચાંદીના ભાવમાં નરમાઈનો ટોન રહ્યો હતો. આજે બપોરે સાડાચાર વાગ્યે લંડન ખાતે સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૨૧ ટકા ઘટીને ૧૬૭૫.૯૬ ડૉલર અને ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૨૨ ટકા ઘટીને ૩૨.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

SOURCE:http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=43946

No comments: