5/05/2012

ઝવેરીઓ જાતે કરી શકશે સોનું આયાત

સોનાની આયાત માટે ડીજીએફટીની પરવાનગી લેવી પડશે

આયાતનો રિપોર્ટ દરમહિને રિઝર્વ બેન્કને આપવો પડશે

ફોરેકસની મૂવમેન્ટ પર રિઝર્વ બેન્ક ચાંપતી નજર રાખશે


દેશમાં આયાત થતાં સોનામાં વિદેશી હૂંડિયામણ એક સાથે ન જતું રહે તે માટે કેન્દ્ર સરકારે નાના ઝવેરીઓને પણ પોતાની જરૂરિયાત મુજબ આયાત કરવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. હાલમાં ૧૫ બેન્કો અને ચાર જાહેરક્ષેત્રની કંપનીઓને જ સોનું આયાત કરવાની પરવાનગી છે. આ માટે ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) લાઇસન્સ આપશે. ઝવેરીઓએ સોનાની આયાત અંગેનો રિપોર્ટ દર મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આપવાનો રહેશે.

સરકારે ચાલુ વર્ષના બજેટથી જ સંકેત આપી દીધો હતો કે દેશમાં આયાત થતાં મોટા પાયે સોનાના કારણે વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ જાય છે અને સરકાર સોનાની આયાત પાછળ ખર્ચાતા વિદેશી હૂંડિયામણને ઘટાડવા માગે છે. ગત નાણાકીય વર્ષમાં દેશમાં ૯૬૯ ટન સોનાની આયાત થઈ છે.

ડીજીએફટી જે ઝવેરી કે ઝવેરાત બનાવનારા સોનાની સીધી આયાત કરવા માગે છે તેમની જરૂરિયાત કેટલી છે તે પાછલાં ત્રણ વર્ષના ચોપડાના આધારે નક્કી કરશે અને જે તે ઝવેરી કેટલું સોનું આયાત કરી શકશે તે અંગેનું લાઇસન્સ આપશે. આ લાઇસન્સના આધારે કસ્ટમવિભાગ તેને સોનું આયાત કરવા દેશે.

ગુજરાતના સોનાના આયાતકાર પાર્કર એગ્રો કેમના ડાયરેકટર હરેશ આચાર્યનું કહેવું છે કે ‘ઝવેરીઓને સીધી આયાત માટે લાઇસન્સ આપવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. જે ઝવેરીઓ દાગીનાની નિકાસ કરે છે તેમના માટે આ નિર્ણય ફાયદા કારક થશે. તેઓ દાગીનાની નિકાસની સામે સોનાની આયાત કરશે એટલે હૂંડિયામણ ચૂકવવાની જરૂરિયાત નહિ રહે, મેટલ ટુ મેટલ સોદો પતી જશે.’

વિદેશી હૂંડિયામણ પર નજર રાખવા માટે રિઝર્વ બેન્કને રિપોર્ટ

સોનાની એક સાથે મોટી આયાત થાય છે તે નાનાપાયે જરૂરિયાત મુજબ થાય એટલે આયાત ઘટશે તેવું સરકારનું માનવું છે. ખાનગી, વિદેશી અને રાષ્ટ્રીયકૃત ૧૫ બેન્કો રિઝર્વ બેન્કના સીધા ઓડિટ હેઠળ છે, જ્યારે બાકીની ચાર જાહેરક્ષેત્રની કંપનીઓ છે. આ તમામે દર છ મહિને સોનાની આયાત અંગેનો રિપોર્ટ રિઝર્વ બેન્કના ફોરેન એક્સચેન્જ ડિપાર્ટમેન્ટને મોકલી આપવાનો છે.

આ ઉપરાંત જે ઝવેરીઓને આયાતની પરવાનગી મળે તેમણે દરમહિને કેટલું સોનું આયાત થયું, કેટલી કિંમતનું આયાત થયું, અને કઈ કરન્સીમાં ચુકવણી કરવામાં આવી તેનો રિપોર્ટ નક્કી કરેલા ફોર્મેટમાં આપવાનો રહેશે. આ રીતે સોના પાછળ ખર્ચાતા વિદેશી હૂંડિયામણ પર સરકારની સીધી નજર રહેશે.


Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 12:15 AM [IST](08/04/2012)
 

No comments: