5/09/2012

સોના ના આભૂષણોની ખરીદીમાં કેરળ સૌથી મોખરાનું સ્થાન

કેરળ બે બાબતો માટે જાણીતું  છે. શરાબના વપરાશ અને સોનાની ખરીદીમાં. શરાબના સેવનનો શ્રેય સંપૂર્ણપણે પુરુષોને જાય છે જ્યારે સોનાની ખરીદીનો શ્રેય મહિલાઓને આપવો પડે. એ વાત યાદ રાખવાની જરૂર છે કે અત્યારે સોનાની કિંમતો વિક્રમજનક સપાટી પર છે. 
આ પ્રવાહમાં દક્ષિણ ભારત અને વિશેષ કેરળની ભૂમિકા મહત્ત્વની છે. ભારતમાં સોનાના ખપતના ૫૦ ટકા ખપત તો કેરળ અને તમિળનાડુમાં જ થઇ જાય છે. તેમાંથી પણ ૩૦ ટકા ખપત તો એકલા કેરળમાં થાય છે. સત્તાવાર સૂત્રો અનુસાર કેરળમાં સોનાની દુકાનો સૌથી વધુ સંખ્યામાં છે. રાજ્યમાં સોનીઓનું શક્તિશાળી સંગઠન કાર્યરત હતું પરંતુ છેલ્લા બે વર્ષથી તે નિષિ્ક્રય બની રહ્યું છે અને કેરળ સ્ટેટ ગોલ્ડ મર્ચન્ટ એસોસિએશનને પુનર્જિવિત કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. વડક્ક્ન ગોલ્ડ એક્સ્પોટર્સના રફી વડક્કન કહે છે,‘‘કેરળના થ્રિસુર જિલ્લામાં સૌથી વધુ સોનીની દુકાનો અને કારીગરો છે. પરંતુ સમગ્ર દેશમાં સોના પર એક ટકો વેટ લેવામાં આવે છે ત્યારે કેરળમાં સરકાર ૪ ટકા વેટ વસૂલી રહી છે. વિશ્વવ્યાપી છૂટક ઘરેણાની વેચાણની કંપની જોયાલુક્કાસના ચેરમેન જોય એલુક્કાસે ધ સન્ડે ઇન્ડિયનને જણાવ્યું હતું,‘‘ સોના પર ચાર ટકાનો વેટ વસૂલીને રાજ્ય સરકાર રાજ્યના સોનીઓ સાથે અન્યાય અને છેતરપિંડી કરી રહી છે અને વેપારીઓને આ ક્ષેત્રમાં અનૈતિક કામો કરવાની ફરજ પાડી રહી છે. જો વેટનો દર દેશના દર પ્રમાણે કરવામાં આવે તો રાજ્ય સરકારને કાયદેસરના વેપાર દ્વારા વેટની વધુ આવક થઇ રહેશે.’’ રાજ્યમાં યોગ્ય બિલિંગ પ્રક્રિયા વિના જ મોટા પ્રમાણમાં સોનાનો વેપાર થઇ રહ્યો છે. તેનો અર્થ એ કે સત્તાવાર આંકડાઓ કરતાં સોનાનું વાસ્તવિક વેચાણ ઘણું વધારે હશે.
દેશના સૌથી નાના રાજ્યો પૈકીનું એક હોવા છતાં શા માટે કેરળમાં સોના પ્રત્યે આટલું બધું આકર્ષણ જોવા મળે છે? જાતિ અને ધર્મના ભેદભાવ વિના રાજ્યમાં મહિલાઓ માટે સોનાના ઘરેણાં ખરીદવાની પરંપરા આ માટેના કારણો પૈકીનું એક છે. બીજું એ કે સોનું સૌથી સુરક્ષિત રોકાણ ગણાય છે. કેરળના લોકો વીમા, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડને સ્થાને સોનામાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપે છે. રાજ્યમાં રિયલ એસ્ટેટ બિઝનેસમાં અચાનક મંદી આવી જવાથી સોનાની ખરીદીમાં ધસારો વધી ગયો હતો. નવી પેઢીની બેંકો દ્વારા થતા સોનાની લગડીઓના વેચાણને ગ્રાહકોના જોરદાર પ્રતિસાદના કારણે તેઓ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. દહેજના દુષણ પર કાયદાકીય પ્રતિબંધ છે પરંતુ કેરળમાં દહેજનું પ્રચલન વ્યાપક છે. આર્થિક સદ્ધરતા ધરાવતા માતા પિતા લગ્નમાં તેમની દિકરીઓને ૧૦૧ તોલા સોનું દહેજમાં આપતા હોય છે.
SOURCE: http://www.thesundayindian.com/gu/story/સોનાન�«-લાલચને-કોઇ-સ��મા-નથ�«/25/299/

No comments: