5/09/2012

સુવર્ણ : સોનું gujarati defenition of the word gold in bhagwadgomandal gujarati kosh

સુવર્ણ: (સોનું)
એક જાતનું ધાતુનું મૂળ તત્ત્વ; સુનું; પીળા રંગની એક કીંમતી ધાતુ. જૂના વખતમાં કિમિયાગરો અને લોકો આ ધાતુને ઓળખતા અને બહુ જ કીમતી માનતા. તે લોકો આ ધાતુને સૂર્ય સાથે સરખાવતા અને પારસમણિની મદદથી હલકી ધાતુઓને સોનામાં ફેરરવાનો પ્રયાસ કરતાં. સોનું ઘણું કરીને ચાંદી અને તાંબા સાથે મિશ્રણ થયેલું મળી આવે છે. પાસાદાર ખડક અને લાવાના રસવાળી જમીનમાંથી તે મળી આવે છે. કોટર્ઝના ૭૦,૦૦૦ ભાગમાં એક ભાગનું સોનું હોય છે. લાવાની માટીમાં પંદર લાખ ભાગમાં એક ભાગ સોનું હોય છે. તેની લગડીઓ પણ બની શકે. ટ્રાન્સવાલ, ઓસ્ટ્રેલિઅ, રશિઅ, ઉત્તર અમેરિક, મેક્સિક, અને ક્લોન્ડિકમાંથી સોનું નીકળે છે. આ કીમતી ધાતુ મ્હૈસુરમાં આવેલી કોલરની સોનાની ખાણોમાંથી મળે છે. અહીં સોનાની ખાણોમાં આઠ કંપનીઓ કામ કરે છે. બધી ખાણોમાં મળી ૨૫-૩૦ હજારથી પણ વધારે માણસો કામ કરે છે. વીજળીથી જમીન ખોતરાય છે; ઊંડા ઊંડા બુગદા કરવામાં આવે છે અને વીજળીથી સોનાના પથ્થરો ભરેલી લોખંડી મોટી બાલદીઓ ઉપર ખેંચાય છે. પછી યંત્રથી તેનો ભૂકો બનાવી તે ભૂકો ભઠ્ઠીમાં મૂકી રસ થાય ત્યાં સુધી ગરમ કરવો પડે છે અને તેમાંથી બહુ કુશળતાથી સોનું અલગ કરવું પડે છે. સોનું તૈયાર કરવામાં ઘણી મહેનત અને ખરચ પણ ઘણો થાય છે; તેથી સોનું ઘણું મોઘું હોય છે. સોનું એ ઓસ્ટ્રેલિઅનું એક મહત્વનું ઉત્પાદન છે. દક્ષિણ ભાગમાં મેલબોર્ન નજીક બેલારેટ ખાતે ૧૮૫૧માં પ્રથમ સોનું હાથ આવ્યું. આ બાતમી મળતાં જ હજારો સાહસિક માણસો સોનાની આશાથી ઓસ્ટ્રેલિઅ દોડી આવ્યા. એને લીધે ઓસ્ટ્રેલિઅની વસ્તી આઠ વર્ષમાં તો બમણી થઇ ગઇ. બેલારેટ ગામ નજીક સોનાની ખાણો હોવાથી તેની નજીકનું મેલબોર્ન ગામ જોતજોતામાં મોટું શહેર બની ગયું. બેલારેટની ખાણ ખોદતાં ખોદતાં આજે અર્ધો માઇલ ઊંડી લઇ જવામાં આવી છે. આટલે ઊંડે પણ ખાણની અંદર રસ્તાનું જાળું પાથર્યું છે. ત્યાં રાતદિવસ વીજળીના દીવા અને પંખા ચાલે છે અને ટ્રામગાડી ફરે છે. બેલારેટ પછી પશ્ચિમ રણ પ્રદેશમાં કુલગાર્ડી અને કાલગુર્લી નામનાં સ્થળોએ બહુ મોટી સોનાની ખાણો મળી છે. આ ખાણમાં હજારો મજૂરો કામ કરે છે. તેમને માટે સેંકડો માઇલ દૂરથી પાણીના નળ આણેલા છે અને તે ઉજ્જડ રણમાં આગગાડી પણ લાવવામાં આવી છે. આ ખાણોની આસપાસ બે સુંદર શહેરો પણ વસેલાં છે. નાના જથ્થામાં સોનું ઘણી જગ્યાએથી મળી આવે છે. સમુદ્રના પાણીમાંથી પણ સોનું કાઢવામાં આવે છે. લાવાની માટીને હાથેથી અથવા યંત્રથી ધોવામાં આવે છે. અને સોનું મેળવવામાં આવે છે. તેમાંથી સોનું ધોવાઇ ન જાય તે માટે પારો સાથે મિશ્રણ કરવામાં આવે છે. ચિરોડીમાંથી સોનું મેળવવા માટે તેનો ભૂકો કરનારા યંત્રમાંથી પસાર કરવામાં આવે છે. જ્યારે તેનો ભૂકો કરવામાં આવે છે. ત્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેને તાંબાના પતરાં ઉપરથી પસાર કરવામાં આવે છે; પણ જે સોનું મેળવવામાં આવે છે તેમાં પારો મિશ્રિત હોય છે. તે પારાને જુદો પાડવામાં આવે છે. શુદ્ધ સોનું પ્રકાશિત, પીળું અને એક સરખું હોય છે. તેની ઘનતા ૧૯.૪ છે. સોનું નરમ અને ઘડી શકાય તેવું અને તેનાં તાર બનાવી શકાય તેવું હોય છે. એક ઔંસ સોનામાંથી ૧/૨૮૦૦૦ ઇંચ જાડાઇનું ૧૮૯ ચો. ફૂટ પતરું બનાવી શકાય છે. એક ગ્રેન સોનામાંથી બે માઇલ લાંબા રૂપાના તારને ઓપ ચડાવી શકાય છે. એક ગ્રેન સોનામાંની ૩,૨૪૦ મીટર લાંબો ઝીણો તાર બનાવી શકાય છે. સોનાનાં પતરાં પ્રકાશને લીધે લીલાં દેખાય છે. છબીઓની છાપણી માટે સુવર્ણકાચ જે લાલ હોય છે, તે જાંબુડીઓ રંગ આપે છે. કોલોઇડલ સોનું પાણીમાં આસમાની દેખાય છે. સોનું હંમેશના વપરાશ માટે બહુ નરમ વસ્તુ છે. તેથી તેમાં ચાંદી અથવા તાંબું મેળવવામાં આવે છે. ૨૪ કેરેટ સોનું શુદ્ધ હોય છે એટલે કે તેમાં ૨૨ ભાગ સોનું અને ૨ ભાગ તાંબું હોય છે. ૧૮, ૧૫, ૧૨, ૯ કેરેટના સિક્કાઓ પણ હોય છે. ઇ. સ. ૧૯૦૮માં સોનાની ઊપજ ૨,૧૦,૦૦,૦૦૦ ઔંસ હતી. તેમાંથી ૬૦ ટકા ફક્ત બ્રિટિશ સામ્રાજ્યમાંથી મળી આવ્યુ હતું. સોનું દેશી ઔષધમાં એક ઉત્તમ ઔષધ ગણાય છે. ઔષધમાં સોનાનો વરખ તથા તેની ભસ્મ વપરાય છે. સોનાને તપાવી કાંજીમાં, તેલમાં, કળથીના કવાથમાં, ગૌમુત્રમાં અને છાશમાં ઠંડુ કરી શુદ્ધ પાણીથી ધોઇ નાખવાથી સોનું શુદ્ધ થાય છે. સોનામાંથી સુવર્ણ ભસ્મ, સુવર્ણ માલિની વસંત, સુવર્ણ પર્પટી, રાજમૃગાંક, હિરણ્યગર્ભ પોટલી અને પૂર્ણચંદ્રોદય નામની દવાઓ બને છે. ગુણે તે પૌષ્ટિક અને શોધક છે. સોનું પુષ્ટિ માટે બહુ વપરાય છે. ક્ષયની અંદર તેમ જ જીર્ણ ઉધરસ, શ્વાસ, દમ તથા છાતીનાં દરદોમાં થયેલી કમકૌવતીને માટે તે ઘણું સારું છે. મગજની વ્યાધિ, અપસ્માર, મગજની કમકૌવતી, મગજનું ભારે રહેવું, નપુંસકપણું, વીર્યસ્ત્રાવ, કમરનો દુખાવો, પગની કળતર, વીર્યનું મૂત્ર માર્ગની અંદર ઝરવું વગેરે દરદો ઉપર સોનું ઘણું જ ઉપયોગી છે. વિશ્વની વિચિત્રતાઓમાં લખ્યું છે કે, જો દરિયાના પાણીમાંથી સોનું ખેંચી લેવાની સોંઘી રીત સફળ થાય તો એક ઘન-માઇલ દરિયાના પાણીમાંથી લગભગ પચાસ પાઉંડની કીંમતનું સોનું મળે. અમરકોષમાં સ્વર્ણ, સુવર્ણ, કનક, હિરણ્ય, હેમ, હાટક, તપનીય, શાતકુંભ, ગાંગેય, ભર્ગ, કર્બુર, ચામીકર, જાતરૂપ, મહારજત, કાંચન, રુકમ, કાર્તસ્વર, જામ્બૂનદ, અષ્ટાપદ એ ઓગણીશ નામના સોનાનાં છે.
visit for any gujarati word definition and search
http://bhagwadgomandal.com/index.php

more

૧. ફકીરિયું સોનું = (૧) ઠગારી બાબત. (૨) સત્ત્વહીન છતાં લલચાવનારી વસ્તુ.
૨. સો ટચનું સોનું = તદ્દન શુદ્ધ; નિર્મળ.
૩. સોના કરતાં ઘડામણ મોંઘું = મૂળ વસ્તુ કરતાં તે અંગેનો બીજો ખર્ચ વધી જવો.
૪. સોનાનાં નળિયાં કરવાં = પુષ્કળ પૈસાની પ્રાપ્તિ કરવી; ખૂબ કમાવું; બહુ ધનવાન થવું.
૫. સોનાથી ગારથી લીંપવું = ઘણું જ શુશોભિત કરવું.
૬. સોનાની જાળ પાણીમાં નાખવી = કીર્તિની ધૂળધાણી કરી નાખવી.

૭. સોનાની તક-પળ = ફરી ફરી ન આવે તેવી સારી તક; અમૂલ્ય અવસર.
૮. સોનાની થાળીમાં લોઢાની મેખ = એક નાનકડી વસ્તુથી બધું વણસી જવું.
૯. સોનાની લંકા લૂંટાવી = ઘણી કીમતી વસ્તુનું ગૂમ થવું કે લૂંટાવું.
૧૦. સોનાને ઘૂઘરે રમવું- સોનાને પારણે ઝૂલવું = ગર્ભ શ્રીમંતાઇમાં ઊછરવું.
૧૧. સોનાને શ્યામ લાગતી નથી = સાચને આંચ નથી.
૧૨. સોનાનો કોળીયો = મોંઘો ખોરાક.
૧૩. સોનાનો વરસાદ વરસવો = પુષ્કળ કમાણી થવી.
૧૪. સોનાનો સૂરજ ઊગવો = ખૂબ ખૂબ આબાદીનો સમય આવવો.
૧૫. સોનું જોવું કસી અને માણસ જોવું ઘસી = કસોટી કર્યાં વગર સારું માની લેવું નહિ.
૧૬. સોનું દેખી મુનિવર ચળે = માયાથી મહાપુરુષોનાં મન પણ ચલિત થાય છે.
૧૭. સોનેથી દાંત ઘસવા = (૧), ધનની મોજ માણવી. (૨) ધનાઢ્ય હોવું.

No comments: