5/05/2012

સોનું આસમાને જશે?



સોનાના ભાવ સતત વધતા જ રહેશે અને ભારતમાં જે મધ્યમવર્ગ સમૃદ્ધ થઈ રહ્યો છે તે સોનાના ભાવ તોલાના R ૪૦૦૦૦ થાય તોય ખરીદશે. નિષ્ણાતો કહે છે કે કોઈ ન્યુ ક્લીઅર ફ્યુઝન દ્વારા કે રસાયણના જાદુગર દ્વારા સોનું પેદા નહીં થાય ત્યાં સુધી સોનાની સતત તંગી રહેશે.

આજે આપણે બોર્ડર વગરની દુનિયામાં જીવીએ છીએ. પાકિસ્તાન કે બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડરો બંને સરકારો માટે છે. ભારત-પાક.ના નાગરિકો માટે નથી. અરે પાકિસ્તાનને છોડો અમેરિકા કે બ્રિટન અને ભારત વચ્ચેની બોર્ડર જાણે ગોફણિયા ઘા જેટલી છે. કોમ્પ્યૂટર ઉપર બેસો અને ભાદરણ કે જસદણ બેઠાં તમે અમેરિકામાંથી એક કિલો કે પાંચ કિલો સોનું ખરીદી શકો છો.

સોનાના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો કહે છે કે કોઈ ન્યુ ક્લીઅર ફ્યુઝન (અગન ઝાળ) દ્વારા કે કોઈ અલકેમિસ્ટ એટલે કે રસાયણના જાદુગર દ્વારા સોનું પેદા નહીં થાય ત્યાં સુધી સોનાની સતત તંગી રહેશે. સોનાના ભાવ સતત વધતા જ રહેશે અને ભારતમાં જે મધ્યમવર્ગ સમૃદ્ધ થઈ રહ્યો છે તે સોનાના ભાવ તોલાના R ૪૦૦૦૦ થાય તોય ખરીદશે. આ લખું છું ત્યારે સોનાના ભાવ તોલાના R ૨૯૩૪૦ છે તે તો તો સાવ સસ્તા લાગશે તેમ સોનાની હરતી ફરતી દુકાન રાખતો સૌરાષ્ટ્રથી મુંબઈ આવેલો જયેશ સોની કહે છે.

માર્ક ફેબર નામના સોનાના સ્વીસ સોદાગર જે અવારનવાર મુંબઈ, રાજકોટ, હોંગકોગ, પેકિંગ અને શાંઘાઈમાં દેખાય છે તેણે ૨૦૦૯માં કહેલું કે ૨૦૧૭માં સોનાના ભાવ ૧ ઔંસના પ૦૦૦ ડોલર થશે. એટલે કે આજના રૂપિયા-ડોલરના વિનિમયદર પ્રમાણે અઢી તોલા સોનાના R ૨૮૮૮ લાખ થશે. તાત્પર્ય કે એક તોલો સોનું R ૯૦૦૦૦નું થશે. સમાજવાદીઓ કે સામ્યવાદીઓ ઘરબહાર આવીને સોનાને ધિક્કારે છે. પણ એમની બૈરીઓ, દીકરીઓ અને પુત્રવધૂઓ-વડીલોથી સંતાડીને સોનું ખરીદે છે, સંઘરે છે.

માર્ટન આર્મસ્ટ્રોંગ સોનાની અને ડોલરની લલચામણી-ઈન્વેસ્ટમેન્ટ-સ્કીમમાં પોન્ઝી સ્કીમ પકડાયો પણ તેની સોના બજાર ઉપરની પકડ હજી વિશ્વસનીય છે. તે કહે છે કે સોનું ૨૦૧૬માં જ પ૦૦૦ ડોલરનું ઔંસ થશે. સ્વીસ વેપારી ડાયલાન ગ્રાઈસ જે ત્યાંની સોસાયટી જનરલ નામની ઈન્વેસ્ટમેન્ટ કંપનીનો વડો છે તે તો પ૦૦૦ ડોલર નહીં પણ ઔંસના ભાવ બે વર્ષમાં ૬૩૦૦ ડોલર (ઔંસ) જુએ છે. એટલે કે R સવા લાખનું તોલો અમેરિકન સરકાર કે ભારત સરકાર દેશમાં કેટલો ફુગાવો છે તેના સાચા આંકડા કહેતી જ નથી. દરેક ચીજ મોંઘી બની છે. માફ કરજો બહુ સસ્તો દાખલો આપું છું. શાકભાજી બજારમાં કોથમીર તો મફત મળતી. આજે R પાંચની મિનિમમ કોથમીરની ઝુડી ખરીદવી પડે છે. જેમ મધ્યમવર્ગ મોંઘું શાક ખાય જ છે તેમ બીજે છેડે મધ્યમવર્ગ સોનું મોંઘું તો ય ખરીદે છે.

માર્ટિ‌ન હચીનસન 'માર્કેટ હિ‌સ્ટોરીયમ’ છે. તે કહે છે કે અમેરિકન સરકાર કે વિશ્વની સેન્ટ્રલ બેન્કો (ભારત રિઝર્વ બેન્ક) અમુક નીતિ ઘડી ફુગાવાને વશમાં લેતી હતી, પણ આજે તમામ બેન્કો તો બિચારી થઈ ગઈ છે-જેટલા ડો. મનમોહનસિંહ બિચારા છે. સરકારો પોતે જ ફુગાવો પેદા કરે છે. સરકારોને પોતાને ખબર નથી કે ફુગાવો કેટલો છે, પણ સામાન્ય માનવી જાણે છે એટલે ફુગાવા સામેની ઢાલ માટે સોનું ખરીદે છે. નોટો માત્ર કાગળિયાં છે.

મોરારજી સોનાને ધિક્કારતા હતા. તેના કારણે જ રિઝર્વ બેન્કના સોનાના સ્ટોકનાં તળિયાં સાફ થઈ ગયેલાં અને ઓક્ટોબર ૨૦૦૯માં ભારતે ૨૦૦ ટન સોનું આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસેથી ખરીદવું પડેલું એ વખતે જ શ્રીલંકા અને મોરેશિયસની સરકાર પણ ગજા ઉપરવટ સોનું ખરીદેલું.

મારે ત્યાં કામ કરનારી બહેનને ૧લી તારીખે ઘરખર્ચ અને પુસ્તકો ખરીદવા R ૨પ૦૦૦ રોકડાનો ચેક હું લખું છું. એક વર્ષ પહેલાં કેનેરા બેન્કનો કેશિયર જૂની નોટોના જ થોકડા આપતો. છેલ્લા દોઢ વર્ષથી દર મહિ‌ને ચેક લખું તો હવે માગ્યા વગર જ ૨પ૦૦૦ની કે જેટલી જોઈએ તેટલી નવી નક્કોર કડકડતી સીધી સરકારી પિસમાંથી આવેલી નોટો આપે છે. (શું કામ?) રિઝર્વ બેન્ક નોટો છાપ્યે જ રાખે છે-છાપ્યે જ રાખે છે. ટોરન્ટો (કેનેડા)ના રોબ મેકવીન નામના 'અમેરિકન ગોલ્ડ’ સોદાગર કહે છે-અધધ દુનિયાભરમાં એટલી બધી કરંસી નોટો સરકાર છાપે છે કે સોનું મોંઘું થાય અને ઔંસનું પ૦૦૦ ડોલર થાય તેમાં નવાઈ નથી. કાગળની નોટ કરતાં નગદ-નક્કર સોનું લેવું વધુ સલામત છે.

સાવધાન આપણા રાજકારણીઓ કોમનમેનથી દૂરની દુનિયામાં વિહરે છે. હજી 'ગઈકાલે જ’ ચલણમાંથી R પ૦૦ અને R ૧૦૦૦ની નોટો પાછી ખેંચવાનું સૂચન કોઈ બુદ્ધિના ગમાર રાજકારણીએ કહેલું અને ખરેખર કોઈ ઉલ્લુનો પઠ્ઠો આવું કહે તો? કોઈ એટલે જ ૧૦૦૦ની નોટને બદલે સોનું લેવું સારું. ગાંડી સરકાર ચલણીનોટની ક્યારે પણ પસ્તી કરી શકે છે.

ખરેખર જ્યારે પણ સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચે જાય ત્યારે અમેરિકાના ફંડ મેનેજરો હાથીની પૂંઠ ફાટે તેવી વાતો કરે છે. દા.ત. ગોલ્ડ બુલિયન ગ્રૂપના ચીફ અર્થશાસ્ત્રી નીક બેરીશેફે તો કહેલું કે ભવિષ્યમાં (૨૦૧૭) સોનાના ભાવ ઔંસના ૧૦૦૦૦ ડોલર થશે નીક બેરીશેફ જેવો તેવો માણસ નથી. કેનેડામાં તે બુલિયન સોના-ચાંદી બજારનો પ્રતિષ્ઠિ‌ત માણસ છે અને લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનનો સલાહકાર છે.

મુંબઈના મલાડ નામના પરામાં મધ્યમવર્ગનો સોની કારીગર તેની પત્નીને કામે લગાડી સોનાના મંગળસૂત્ર બનાવે છે. R ૧૦૦૦નું મંગળસૂત્ર મળતું તે સોનાનું મંગળસૂત્ર આજે R ૩પ૦૦૦નું થયું છે પણ એક જબ્બર મધ્યમવર્ગ છે જે R ૩ લાખનું મંગળસૂત્ર તો હસતે મોંઢે ખરીદે છે. ભારતની નારીઓ જ સોનાના ભાવ તોલાના R ૯૦૦૦૦થી R ૧ લાખ પહોંચાડશે તો ય ખરીદશે. (... સોના ભાવ કોણ મોંઘા કરે છે? વાંચો હવે પછી).

આસપાસ, કાન્તિ ભટ્ટ


SOURCE : KANTI BHATT http://epaper.divyabhaskar.co.in/

No comments: